ધો.૧૦-૧૨ પછી કયા અભ્યાસક્રમમાં પ્રવેશ લેશો?
સૌપ્રથમ તો તમે તમારાં જીવનનું મિશન-ધ્યેય નક્કી કરો. ત્યાર બાદ તમને જે સારી રીતે ઓળખી શકતું હોય- તમારી શક્તિ અને મર્યાદાથી જે પરિચિત હોય તેવાની મદદ લઇ ચર્ચા કરો અત્યારે શિક્ષણક્ષેત્રે પરિણામ બહાર પડવાની સિઝન ચાલી રહી છે. પરિણામથી સંતોષ કે અસંતોષની પ્રક્રિયા સ્વાભાવિક છે. સંતોષ થાય કે અસંતોષ થાય પણ દરેક વિદ્યાર્થીએ પોતાના મિશનમાં કશુંક એડ કરવા માટે ક્યાંક તો એડમિશન લેવું જ પડશે. આ એડમિશન એ બેડ મિશન ન બની રહે તે માટે ખાસ ચોક્કસ પ્રકારની કાળજી રાખવી જરૂરી છે.
સૌપ્રથમ તો તમે તમારા જીવનનું મિશન-ધ્યેય નક્કી કરો. પણ આ માટે તમે પૂરતા પરિપક્વ અને કાબેલિયત ધરાવો છો? કારણ કે ધો.૧૦-૧૨ વખતે તમારી પાસે કદાચ એટલા અનુભવ કે પરિપક્વતા ન પણ હોય કે જેના આધારે તમે તમારા જીવનનું ધ્યેય નક્કી કરી શકો. જો આવું હોય તો તમને જે સારી રીતે ઓળખી શકતું હોય- તમારી શક્તિ અને મર્યાદાથી જે પરિચિત હોય તેવા તમારા મા-બાપ શિક્ષક કે સગાંની મદદ લઇ શકો છો. સૌપ્રથમ તમે ભવિષ્યમાં શું કરવા-શું બનવા માગો છો તે નક્કી કરો. તે ધ્યેય સુધી પહોંચવા માટે જે અભ્યાસક્રમ મદદરૂપ થતો હોય તે અભ્યાસક્રમ પસંદ કરો. જેમ કે તમારે એન્જિનિયર બનવું હોય તો તમારે ધો.૧૦ પછી વિજ્ઞાાન પ્રવાહ જ પસંદ કરવો પડે કે તમારે સી.એ. થવું હોય તો વાણિજ્ય પ્રવાહ જ પસંદ કરવો પડે.
અભ્યાસક્રમની પસંદગી વખતે તમારી આર્િથક સ્થિતિનો પણ ખ્યાલ રાખો. કારણ કે ઉચ્ચ અભ્યાસક્રમ માટે તમારે ખર્ચ પણ કરવો પડશે. તો તમે પસંદ કરેલ અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે થનાર તમામ ખર્ચ તમારા વાલી પાસેથી કે અન્ય કોઇપણ રીતે તમે મેળવી શકો તેમ છો? ક્યારેક એવું બને છે કે તમારા ધ્યેય સુધી પહોંચવા માટે ખૂબ જ મોટા પ્રમાણમાં ખર્ચ થવાનો હોય અને તે તમારાથી શક્ય ન હોય તો તમારે અભ્યાસક્રમ પસંદગી કરતી વખતે આ બાબતની કાળજી રાખવી જોઇએ. તમારા વાલી ખર્ચ પહોંચી વળે તેમ ન હોય પણ સગાં દ્વારા કે બેંક લોન દ્વારા એ શક્ય બનશે? કેટલું અને ક્યારે અને કેવી રીતે એ બધાં પાસાંનો પણ વિચાર કરી લેવો જોઇએ.
અભ્યાસક્રમ પસંદ કરતી વખતે તમારા રસ-રુચિ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખૂબ જ સારો ગણાતો અભ્યાસક્રમ હોય પણ તે પ્રત્યે તમને સહેજ પણ લગાવ નથી કે રસ નથી તો તમે અભ્યાસક્રમ પૂર્ણ કરી શકશો, પણ ભવિષ્યમાં સફળ નહીં થઇ શકો. માટે જ રસ ન હોય તેવા વિષયો પસંદ જ ન કરો. સાથે અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે તમારી શક્તિ-આવડત અને કૌશલ્ય તમારી પાસે હોવાં જોઇએ. પ્રાથમિક શિક્ષક બનવા માટે નાના બાળકો માટે પ્રેમ હોવો જોઇએ, ડોકટર બનવા માટે વાઢકાપની ચીડ ન હોવી જોઇએ. ટૂંકમાં અભ્યાસક્રમ માટે જરૂરી શક્તિ અને કૌશલ્ય હોવાં જોઇએ સાથે જ બાધારૂપ બને તેવી કોઇ ચીજ આપણામાં ન હોવી જોઇએ. તો જ તમે તમારા ધ્યેયને સાકાર કરી શકશો. ડિગ્રી આવી એટલે જગ જિત્યાં તેવું રખે માનતાં, ડિગ્રીની સાથે રસ-રૂચિ અને કૌશલ્ય હશે તો જ તમે સફળ વ્યક્તિ બની શકશો. તમે જોતાં હશો કે તમારા વિસ્તારમાં ઘણાં ડોકટર હશે. એકના દવાખાને લાઇન લાગે છે અને બીજાના દવાખાને ભાગ્યે જ કોઇ દર્દી જાય છે. ડિગ્રી તો બંને પાસે છે પણ આવું કેમ?
દરેક વ્યવસાય સાથે કેટલાંક મૂલ્યો અને સિદ્ધાંતો જોડાયેલાં છે. શું તમારો સમાજ અને તમારી જાત આ મૂલ્યોને સારી રીતે સાચવી શકશે? નિભાવી શકશે? તમારી માન્યતા જે તે અભ્યાસક્રમ સાથે રહેલા મૂલ્યોના ચોકઠામાં ફીટ થાય છે? આ ઉપરાંત દરેક અભ્યાસક્રમનું પોતાનું આગવું મૂલ્ય હોય છે. તે મૂલ્યને હાંસલ કરવા માટે જરૂરી સમય-શક્તિ અને નાણાં તમે ખર્ચી શકો તેમ છો? કેટલાંક અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે ખૂબ જ લાંબો સમય ધીરજ ધરવી પડે છે. શું તમે તે માટે તૈયાર છો? ખૂબ જ અઘરા ગણાતાં અભ્યાસક્રમોમાં ક્યારેક ગુલ્લી પણ વાગે તો આ માટે તમે અને તમારું કુટુંબ અત્યારથી જ તૈયાર છો?
તમે પસંદ કરેલ અભ્યાસક્રમનું સામાજિક મૂલ્ય કેટલું છે તે પણ તમે જુઓ. તમારી શક્તિ અને આવડત ઉચ્ચ કક્ષાના હોય તો તમારે પોતાની જાત પર વિશ્વાસ રાખીને ઉચ્ચ ગણાતા અભ્યાસક્રમને જ પસંદ કરવો જોઇએ. આમ તો કોઇપણ અભ્યાસક્રમ નાનો-મોટો, સારો-ખરાબ નથી, પણ તે અભ્યાસક્રમ તમે કેવી રીતે પૂર્ણ કરો છો, તે અભ્યાસક્રમ બાદ તમે કેટલી નવીનતાભરી રીતે કામ કરી શકો છો તેના આધારે જ તમે સફળ કે અસફળ સાબિત થાઓ છો.
તમે જે અભ્યાસક્રમ પસંદ કરો તે વિશે ભવિષ્યમાં તમારે જોઇતી મદદ તમને તમારા કુટુંબ કે સગાં તરફથી મળી શકે તેમ છે?જેમ કે એન્જિનિયરનું સંતાન એન્જિનિયર બને કે ડોકટરનું સંતાન ડોકટર બને કે સી.એ. થયેલા કોઇ વ્યક્તિનું સંતાન એકાઉન્ટનો કોઇ અભ્યાસક્રમ પસંદ કરે તો તેને અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી પોતાનું નવું સ્થાન ઊભું કરવામાં મુશ્કેલી ઓછી પડશે. કદાચ તેને તો તૈયાર થાળી પર જ બેસવાનો વારો આવે. જો આવું કાંઇ હોય તો પોતાના વાલીના કે સગાંનાં વ્યવસાયને ધ્યાનમાં રાખીને નવો અભ્યાસક્રમ પસંદ કરવામાં આવે તો તેમાં કશું જ નુકસાન જવાનું નથી. પણ હા, જે તે વ્યવસાય માટે તમને રસ-રુચિ અને શક્તિ હોવાં જોઇએ. નહીં તો તમારા વડીલોએ કરેલી મહેનતને તમે બે-પાંચ વર્ષમાં જ ધૂળમાં મેળવી દેશો. શું ના કરશો? પ્રથમ તો વધારે વ્યક્તિઓ પાસે સલાહ ન લો. કારણ કે દરેક વ્યક્તિની વિચારધારા માન્યતા જુદી જુદી હોય છે. પરિણામે વધુ વ્યક્તિ પાસેથી તમને એક જ પ્રકારનો વિચાર નહીં મળે. તમે ગૂંચાઇ જશો. માટે જ વધુ અનુભવી હોય અને જે તમારી શક્તિ અને મર્યાદાથી પરિચિત હોય તેની પાસેથી જ માર્ગદર્શન લો. દેખાદેખીથી કોઇ નિર્ણય ન લો. તમારા મિત્રએ લીધેલો નિર્ણય તેના માટે સાચો હોઇ શકે, પણ તમારી આવડત-પરિસ્થિતિ અને રસના ચોકઠામાં ફિટ ન પણ થતો હોય. બીજી ખાસ અગત્યની બાબત એ છે કે જ્યારે કોઇની પાસે સલાહ લેવા જાવ કે કોઇ નિર્ણય કરો ત્યારે કોઇ ગ્રંથિ રાખીને ન કરો. કેટલીકવાર સલાહ લેવા જનાર વિદ્યાર્થી ચોક્કસ ગ્રંથિ રાખીને સામેની વ્યક્તિ પાસે ખોટી દલીલો કરતાં હોય છે. આથી સલાહ આપનાર કંટાળીને તમે બરાબર છો તેમ કહીને તમારાથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે. મનમાં રહેલી મૂંઝવણ વ્યક્ત કરીને પ્રશ્નો પૂછી જરૂરી માહિતી મેળવવાની છે. બે-ત્રણ જગ્યાએથી મેળવેલ માહિતીનું પૃથ્થકરણ કરીને તમારે તમારા માટેનો નિર્ણય નક્કી કરવો જોઇએ. અને હા, જે સંસ્થામાં પ્રવેશ લેવાનું વિચારો છો તે સંસ્થા વિશે પણ માહિતી મેળવો. તેના સંચાલક મંડળનો મુખ્ય હેતુ જાણો, પૈસા કમાવા માટે કોલેજ ખોલી છે કે સામાજિક કાર્ય માટે તે જાણો પછી પ્રવેશ મેળવો. નવા મિશન માટે શુભેચ્છા.
No comments:
Post a Comment